Vihar Seva Group

વિહાર સેવા ગ્રુપનું ઉદ઼ભવસ્થાન

How its Origin...?

વિ.સં.૨૦૬૫નું અમારું ચાતુર્માસ ભિવંડીમાં થયું. ચાતુર્માસ પૂર્ણ થયા બાદ અમે ભિવંડી ઓસવાલ પાર્કમાં આવ્યા. ત્યાં ઉપધાન તપનો પરારંભ થયો. કારતક વદ-૯નો દિવસ હતો. શિયાળાની મોસમ હતી. સવારનો સમય હતો ઠંડીને લીધે ઉપાશ્રયના તમામ દરવાજા બંધ કરીને અમે બેઠા હતા. પણ સવારે લગભગ ૮:૦૦ વાગે એક કાળમુખા સમાચારે દરવાજા બંધ હોવા છતાં અંદર પ્રવેશ કરીજ લીધો... એ સમાચાર હતા, મહેસાણા નજીક ચાર સાધ્વીજી ભગવંતોનો થયેલો જીવલેણ અકસ્માત. એક જ પરીવારના એ ચાર સાધ્વીજી ભગવંતના અકસ્માતે બે દિવસ સુધી દિવસની ભૂખ અને રાતની નિંદ હરામ કરી નાંખી. ત્રીજા દિવસે થોડી કળ વળી ત્યાં વળી એકવાર સવારના સમયે એજ બંધ બારણામાંથી કાળમીંઢ પથ્થરને પણ ધ્રુજાવી નાંખે એવા સમાચાર આવ્યા. એ સમાચાર હતા... વિશ્વપ્રસિદ્ધ, વિદ્ધદ્ધર્ય પૂ. મુનિરાજશ્રી જંબૂવિજયજી મહારાજને અકસ્માત.

આ સમાચાર સાંભળ્યા પછી હૈયું ઝાલ્યું ન રહ્યું. એ વખતે આંખમાં ભલે આંસુ હતા, પણ અંતરમાં આગ પ્રગટી ચૂકી હતી. અકસ્માતનો સીલસીલો જો આમને આમ ચાલ્યા કરશે તો પરમાત્માનું શાસન કેમ ચાલશે? હવે કંઈક તો કરવું જ પડશે. આ આગની સાથે ગુણાનુવાદની સભા ગોઠવાઇ. એક બાજુ શાસનનો રાગ હતો, બીજી બાજુ અંતરમાં આગ હતી. આ રાગ અને આગના મિશ્રણથી થયેલા ગુણાનુવાદમાં સંઘને કેટલાક પ્રશ્ન પૂછાઇ ગયા.

તમારું સંતાન કોલેજમાં જાય કે કોલેજથી છૂટે ત્યારે, તમારા પતિ ઓફિસે જાય ત્યારે, કે તમારી પત્ની પીયર જાય ત્યારે કલાકે-કલાકે મોબાઈલ દ્વારા તું કેયાં છે? તું ક્યારે પહોંચીશ? વગેરે પ્રશ્નો કરી મનનું સમાધાન મેળવનારા આપણે શું આપણા ગુરુભગવંતો સામા મુકામે બરાબર પહોંચી ગયા કે નહિ એની કાળજી લઇએ છીએ ખરા?

પ્રભાવક આચાર્ય ભગવંતો આપણા ગામમાં પધારે ત્યારે આપણે એમને સામે લેવા જઈએ, વાજતે-ગાજતે આપણા સંઘમાં પધરાવીએ... પણ એજ ગુરુભગવંતો આપણા સંઘમાંથી વિહાર કરે ત્યારે એમને સામે ગામ-ગામ સ્ટેશન સુધી પહોંચાડવા જનાર કેટલા?

સભામાંથી મારા પ્રશ્નનો કોઈ પ્રત્યુત્તર ન હતો. મેં મારી વેદનાને વધુ વાચા આપી. અમે ૨૫ સાધુ એક આચાર્ય ભગવંતની સાથે મુંબઈના એસ.વી. રોડ પરથી વિહાર કરતા હોઈએ, એજ વખતે સામેથી સ્થાનકવાસી સંપ્રદાયના બે નાના સાધુ કે મહાસતી જો સામેથી આવશે... ત્યારે અમારું મસ્તક શરમથી નીચે નમી જશે. કારણ કે એ બે નાના સાધુ કે સાધ્વી હશે તોય એમની સાથે વિહારમાં એકાદો શ્રાવક કે શ્રાવિકા હશે... જ્યારે અમારી સાથે આચાર્ય હોવા છતાં સમ ખાવા પૂરતો એક શ્રાવક પણ નથી હોતો.

યાદ રાખજો...

ભગવાન મહાવીરને તીર્થંકર બનાવનાર નંદનરુષિના ભવની ૨૦ સ્થાનક તપની આરાધના હતી, પણ એમને સમ્યગદર્શન અપાવનાર તો નયસારના ભવમાં એમણે કરેલ સાધુ ભગવંતોની વિહારસેવા હતી. એમણે સાધુ ભગવંતોને દ્રવ્ય માર્ગે ચઢાવ્યા... તો સાધુ ભગવંતે એમને ભાવમાર્ગે ચડાવ્યા.

આવશ્યક નિર્યુક્તિ આદિ ગ્રંથોમાં તીર્થંકર નામકર્મ બાંધવાના ૨૦ સ્થાનક બતાવ્યા છે. એમાં સત્તરમું સ્થાન છે, વેયાવચ્ચ સમાધિ. આ સ્થાનકમાં આચાર્યદિ ૧૦ ની ૧૩ પ્રકારે વૈયાવચ્ચ કરવાનું જણાવ્યું છે. જેમાનાં બે પ્રકાર છે.

   (૧) વિહાર કરતા સાધુ ભગવંતને સહાય કરવી. (સાથે જવા દ્વારા)
   (૨) વિહારમાં દુષ્ટ પુરુષ/ચોર વગેરેથી સાધુનું રક્ષણ કરવું

આ રીતે વૈયાવચ્ચ કરવાથી સાધુ ભગવંતને સમાધિ મળે છે. જ્યારે આવી સેવા કરનારા તિર્થંકર નામકર્મ બાંધે છે. આજના કાળમાં આ સેવાની વધુ આવશ્યકતા છે. બિમાર સાધુની સેવામાં જેમ વિશેષ લાભ છે, તેમ વિહાર કરતા સાધુને સહાય કરવામાં ય વિશિષ્ટ લાભ છે.

આટલું કહીને મેં મારું પ્રવચન પૂરુ કર્યું. પ્રવચનનું શું પરિણામ આવશે એની કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર હું મારા આસન પર બેઠો. થોડીવાર થઈ ત્યાં એક યુવાન આવ્યો. એણે કહ્યું : આજનું પ્રવચન સાંભળીને અમે નક્કી કર્યું છે કે... ભિવંડીથી જે પણ ગુરુભગવંતો વિહાર કરે તેમને એક સ્ટેશન સુધી વળાવવા જશું.

હું એને-એના ઉત્સાહને જોઈ રહ્યો. મેં એને કહ્યું : નિર્ણય કરતા પહેલા વિચારી લેજે. જેથી ભવિષ્યમાં પાછા પડવાનું ન થાય. એ એના સંકલ્પમાં મજબૂત હતો.

નવ યુવાનોના ગ્રુપથી શરુ થયેલ આ સેવામાં પછી તો “લોગ ચલતે રહે, કારવાં બનતા ગયા” ના ન્યાયે અનેક યુવાનો જોડાઈ ગયાં છેલ્લા સાત​ વર્ષથી સતત ચાલતી આ સેવા આજે પણ અખંડપણે ચાલે છે. એટલું જ નહિ, આ યુવાનોની નિ: સ્વાર્થ વિહારસેવાને જોઈને મુંબઈ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આજ સુધીમાં બીજા અનેક સેન્ટરો ખૂલી ગયા છે. એ આનંદની વાત છે.

આ લેખ વાંચીને તમને પણ તમારા સંઘમાં જો વિહાર સેવા ગ્રુપ ચાલુ કરવાની ઇચ્છા થાય તો ચાલુ કરી દેજો. આના કોઈ મુહૂર્ત જોવાના ન હોય.

Vihar Seva Video's

  • Sammelan 2013
  • Sammelan 2014
   

Our Mission

છેલ્લા સાત​ વર્ષથી સતત ચાલતી આ સેવા આજે પણ અખંડપણે ચાલે છે. આ યુવાનોની નિઃસ્વાર્થ વિહારસેવાને જોઇને મુંબઇ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આજ સુધીમાં બીજા અનેક સેન્ટરો ખૂલી ગયા છે. આખા ભારત ભરમાં આવા સેન્ટરો ખુલે અવી અમારી આશા છે    

   

વિહાર સ્તુતિ

છે એક અરજી નાથ માહરી કાનમાં અવધારજો,

વિહાર કરતા શ્રમણ-શ્રમણી વિઘ્ન એના ટાળજો,

મંગળ થાયે શ્રીસંઘનું આશિષ એવા આપજો,

હે પાર્શ્વ શંખેશ્વર પ્રભુ તમે કરૂણા એવી વહાવજો.

Register Online with VSG

Join Now! Now you can register yourself online with vihar seva groug. Just fill the form and submit and our administrator will check the details and get back to you soon.

VSG